અરવલ્લી જિલ્લાના ૧૦૦ કરતાં વધુ ગામોમાં મતદાન જાગૃતિના શપથ લેવડાવ્યા !

February 22, 2021 by No Comments


મારો મત મારી શક્તિ, મારો મત નિર્ણાયક મત રાજ્ય ચૂંટણી પંચ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં અમલી S.V.A.P.મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી, અરવલ્લીના સીધા માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી દ્વારા જિલ્લાના ૧૦૦ કરતાં પણ વધારે ગામોમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના મતદાન જાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે.
      આગામી તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. લોકશાહીના આધારસ્તંભ સમાન આ ચૂંટણીમાં જે-તે વિસ્તારના તમામ મતદારો ભાગ લે તે બાબતે રાજ્ય ચૂંટણી આયોગ પ્રયત્નશીલ છે. તાજેતરની કોવિડ-૧૯ મહામારી અંતર્ગત ભારત સરકાર, ગુજરાત સરકારશ્રી દ્વારા આ બાબતે બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન તેમજ સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય અને માસ્ક તેમજ સેનિટાઈઝરના ઉપયોગ થાય, સોશીયલ ડીસ્ટન્સની જાળવણી સાથે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તેની ખાસ કાળજી રાખવા મતદારોને અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
    વધુમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યના એકમોની આગામી ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા વધે તે માટે વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે માટે મતદાર જાગૃતિ અભિયાન-‘SVAP’ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત મતદારોએ પ્રતિજ્ઞા લેવાની થાય છે કે અમે ભારતના નાગરિકો, લોકશાહી તંત્રમાં શ્રધ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમા જાળવીશું. તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું તેવા શપથ મતદારો પાસેથી લેવડાવવામાં આવ્યા. 
      જિલ્લાના ગામડાઓમાં પ્રવાસ કરી વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોને મતદાનનું મહત્વ સમજાવી મતદારોને એક જવાબદાર નાગરિક તરીકે આગામી ચૂંટણીમાં મતદાન કરીને ગ્રામ, તાલુકા, જિલ્લા, સમગ્ર રાજ્ય સહિત સમગ્ર રાષ્ટ્રના વિકાસમાં તેમજ સમગ્ર રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવા અને સમગ્ર વિશ્વમાં ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશનું ગૌરવ વધારવાનો અનુરોધ અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી શ્રી સુરેન્દ્રસિંહ ડાભી દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ કામગીરીની સમગ્ર જિલ્લાના ગામોમાં પ્રસંશા થઈ રહી છે.

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *